ઇરાનના રાજા કોરેશના અમલ દરમ્યાન પહેલા વષેર્ યહોવાએ યમિર્યા દ્વારા આપેલું વચન પૂરું કરવા માટે ઇરાનના રાજા કોરેશને પ્રેરણા કરી કે, તેણે પોતાના આખા રાજ્યમાં લેખિત ઢંઢેરો પિટાવવો;
“ઇરાનના રાજા કોરેશ જાહેર કરે છે કે:આકાશના દેવ યહોવાએ મને પૃથ્વી પરનાં બધાં રાજ્યો આપ્યાં છે, અને તેણે પોતે મને તેને માટે યહૂદામાં આવેલ યરૂશાલેમમાં મંદિર બંધાવવાની જવાબદારી સોંપી છે.
તેથી યરૂશાલેમમાં આવેલા ઇસ્રાએલના દેવ યહોવાનું મંદિર ફરીથી બાંધવા માટે રાજ્યમાંના કોઇ પણ યહૂદામાં આવેલા યરૂશાલેમમાં જઇ શકશે. તેનો દેવ તેની સાથે રહ્યો. યરૂશાલેમમાં એ જ દેવની પૂજા થાય છે.
એટલા માટે કોઇ પણ જગ્યાએ જ્યાં એમાંનો કોઇ બાકી રહેલો હોય તો તેની જગ્યાના લોકો તેને યરૂશાલેમનાં મંદિરનાં બાંધકામ માટે યથાશકિત સોના, ચાંદી, સામાન, પશુઓ અને અર્પણ આપીને મદદ કરે.”
વળી રાજા કોરેશે પણ તેમને યહોવાના મંદિરમાંથી વસ્તુઓ આપી. આ વસ્તુઓ નબૂખાદનેસ્સાર રાજાએ યરૂશાલેમના યહોવાના મંદિરમાંથી લઇ જઇને પોતાના દેવોના મંદિરમાં મૂકી હતી.